પુસ્તક વિશે
જયમલ્લભાઈ ઉપર જે કેટલીક વ્યક્તિઓની ઊંડી છાપ હતી તે પૈકી હમીરજી ગોહિલ એક હતા. હમીરજી ગોહિલ અંગે તેમણે ઇતિહાસને વફાદાર રહીને લખેલા લેખો આ પુસ્તકમાં એક સાથે સુલભ બને છે. લોકવાર્તામાં ઇતિહાસ રહેલો છે, પણ ઇતિહાસ લોકવાર્તા નથી, તેવી જયમલ્લભાઈની સ્પષ્ટ માન્યતા, એટલે તેમનાં લખાણોમાં ઇતિહાસને વફાદાર રહેવાની દ્દષ્ટિ આપોઆપ આવી જતી. તેઓ કહેતા કે કોઈ પણ વીર નર અથવા નારીના જીવનની આસપાસ વણાયેલા ચમત્કારો, કલ્પનાઓ તથા બિનતાર્કિક વાતો ગૌણ છે. જરૂર છે પ્રતાપી વ્યક્તિત્વને સમજવાની. એ બાબતને નજર સમક્ષ રાખીને આ પુસ્તકનું લેખન કરવામાં આવ્યું છે.
હમીરજીએ સોમનાથ માટે પ્રાણ આપ્યા. સોમનાથનો ભૂતકાળ અને હમીરજી અભિન્ન છે, એટલે સોમનાથ જ્યોતિર્લિંગનો લેખ પ્રારંભમાં અહીં મૂક્યો છે. શિવાલયની રચનાનો લેખ અને શંકર ભગવાનની સ્તુતિઓ પણ વાચકોને ગમશે. હમીરજી, વેગડા ભીલા, રાજલ અંગે પુસ્તકમાં પ્રમાણભૂત માહિતી આપવામાં આવી છે. હમીરજીના જીવન તેમજ ઇતિહાસ બારામાં પ્રવર્તતી ગેરસમજો દૂર કરવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે. આઈ નાગબાઈએ હમીરજી અંગે કહેલા મરશિયા તેના અર્થ સાથે અહીં મૂકવામાં આવ્યા છે, જે પુસ્તકની ઉપયોગિતામાં વધારો કરે છે.