સૌરાષ્ટ્રનાં સંતસ્થાનો અને તેની સાથે સંકળાયેલી સંતોવિષયક સામગ્રીનો પ્રમાણભૂત પરિચય કરાવતો ગ્રંથ ‘સેવાધરમનાં અમરધામ’, ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ માટે મહત્વની સામગ્રી સુલભ કરી આપતો, દસ્તાવેજી મૂલ્ય ધરાવતો સંદર્ભ ગ્રંથ છે. એના લેખકો જયમલ્લ પરમાર અને રાજુલ દવેએ સંતસ્થાનકોની પ્રત્યક્ષ મુલાકાત લઈને, માહિતીદાતાઓને મળીને, પ્રાપ્ય સામગ્રી એકત્ર કરીને, વિષયાનુક્રમ મુજબ વિભાજિત કરીને અત્રે પ્રસ્તુત કરી છે.
શતાધિક ઉપરાંત સંત-સંતસ્થાનો, ભજનસાહિત્ય, સંતો વિષયક લોકકથાઓ, સાધનાધારાની પધ્ધતિઓ ઇત્યાદિ સામગ્રીને કારણે ‘સેવાધરમનાં અમરધામ’ ગ્રંથ, સંદર્ભ ગ્રંથનું સ્થાન પ્રાપ્ત કરે છે. પુસ્તક કુલ 11 વિભાગોમાં વિભાજિત છે. 112 પ્રકરણો, 130 ફોટોગ્રાફ તથા 120 જેટલા ભજનો આ ગ્રંથના મહત્વનાં પાસાં છે. ગ્રંથના વિભાગો જોઈએ તો ‘શિવાલયો’માં સોમનાથ, ભવનાથ, ગોપનાથ વગેરેનો પરિચય છે. ‘ભાગવતતીર્થો’ વિભાગ અંતર્ગત દ્વારકા, બેટદ્વારકા, માધવપુર, પ્રાચી, તુલસીશ્યામ વગેરેનો પરિચય છે. ‘આપણી ભૂમિ’ વિભાગમાં ગિરનાર, શેત્રુંજય, પોરબંદર, શિહોર અને કચ્છનો પરિચય રજૂ થયો છે. ‘શક્તિપૂજા’ વિભાગમાં હર્ષદ માતા, આઈ ખોડિયાર, કનકાઈ, ઉમિયા માતાજી, ભુવનેશ્વરી શક્તિપીઠ વગેરેનો પરિચય વાંચવા મળે છે. ‘સ્ત્રી સંતો’માં આઈ કરણીજી, ગંગા સતી, લાખો અને લોયણ, રાણીમા-રૂડીમા, રામબાઈમા વગેરે પ્રતાપી સ્ત્રી સંતો વિષયક સામગ્રી છે. ‘ધાર્મિક જગ્યાઓ’ના પ્રકરણમાં ગેબીનાથ, પીપાવાવ, આપા દાનાની જગ્યા (ચલાળા), સતાધાર, પાળિયાદ, દૂધરેજ, દૂધઈ, આણદાબાવા આશ્રમ (જામનગર), પ્રણામી સંપ્રદાય વગેરે સ્થાનકો વિશે સવિસ્તર માહિતી આપવામાં આવી છે. ‘સંતવાણીના સર્જકો’ વિભાગમાં રોહીદાસ, મૂળદાસજી, મેકણ કાપડી, રવિભાણ સંપ્રદાયના સંતો, કોલવા ભગત, કલા ભગત વગેરે સંતો અને તેમની ભજન રચનાઓનો પરિચય મળે છે. ‘અર્વાચીન સંતો અને સ્થાનકો’ વિભાગમાં નાગપૂજા, વાછરાદાદા અને તેના સ્થાનકો, દેશળ ભગત, કાનજી સ્વામી (સોનગઢ), પ્રેમભિક્ષુજી વગેરેનો પરિચય રજૂ થયો છે. ‘સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો’ વિભાગમાં ગઢડા, માંગરોળ, જેતપુર, ગોંડલ અને દ્વારકાના મંદિરોનો પરિચય છે. ‘અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મંદિરો’ વિભાગમાં ગુણાતીતાનંદ સ્વામી, ગોંડલનું અક્ષરમંદિર સંકુલ અને ગઢડા અને સારંગપુરના દેવાલયો વિશે સવિસ્તર માહિતી આપવામાં આવી છે.
ગ્રંથનો છેલ્લો વિભાગ ‘ભાવની વાણી-ભજનો’ છે. તેમાં રામનામથી શરૂ થતા દુહા, ભજનની શરૂઆતમાં ગવાતી સાખીઓ, ભાવ, ભક્તિ ને ભજનનો સંસ્કાર, ગણેશજી વિષયક ભજનો, મહાપંથ અને તેના ભજનો, આગમવાણી, પ્યાલાના ભજનો, નાથ સંપ્રદાયના ભજનો વગેરે રજૂ થયા છે. સંતોની અમરવાણી જેવા ભજનોનો પણ ગ્રંથમાં સમાવેશ કરીને સાધકોની હૃદયઆરસીને પ્રતિબિંબિત કરી છે. આટલા પછી સંતોના કોઈ પરચા કે ચમત્કારોને ગ્રંથમાં સમાવાયા નથી. સમગ્ર રીતે જોઈએ તો ગુજરાતના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન, 97 સ્થાનકો કે જે રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યા છે, તેનો સળંગ સૂત્રબધ્ધ ઇતિહાસ, જે તે સ્થાનકની સાધનાધારા સાથે ‘સેવાધરમનાં અમરધામ’ ગ્રંથમાં સંગ્રહિત કરવામાં આવ્યો છે.