પુસ્તક વિશે
જયમલ્લ પરમારની આ અનોખી સંસ્મરણકથા (આત્મકથા) 1930થી 1942ના સમયપટને આવરી લે છે. ગાંધીજીના સૈનિક બનીને સત્યાગ્રહની લડતોમાં રાણપુર અને ઘોલેરાના મોરચે ઝૂકાવનાર જયમલ્લભાઈએ સત્યાગ્રહ કાળના સંસ્મરણો અહીં આલેખ્યા છે. વ્યાપક અર્થમાં જોઈએ તો ગાંધીયુગના અનેક યુવાનોની આ ઘડતર કથા છે. રાણપુરની ‘સ્મશાનછાવણી’, સાબરમતી અને વિસાપુર જેલ, અમરેલી, ધ્રાંગધ્રા, પાટડી, ધ્રોળ, રાજકોટ જેવા દેશી રાજ્યોમાં ખેલાયેલી લોકલડતોનો તાદ્દશ્ય ચિતાર ‘સમય સમયના રંગ’માં વાંચવા મળે છે. આ પુસ્તક ફક્ત આત્મકથા નથી. જયમલ્લભાઈએ પોતાના વિશે ઘણું ઓછું લખાણ લખ્યું છે. એ વેળાના સૌરાષ્ટ્રનાં વાતાવરણ ઉપર તેમણે ભાર મૂક્યો છે. સત્યાગ્રહ, અનશન વગેરેના થોડાક ફાટેલ પિયાલા જેવા જુવાનોએ કરેલા પ્રયોગોની અહીં વાત છે. આ સત્યાગ્રહો અને અનશનનું કેટલું મહત્વ હતું, ખાદીનો જનમાનસ ઉપર શું પ્રભાવ હતો તે હકીકતોનું બયાન જયમલ્લભાઈ અહીં ભાર દઈને કહે છે.
ઝવેરચંદ મેઘાણીના જયમલ્લ પરમાર સમકાલીન હતા. લેખન, પત્રકારત્વ અને લોકસાહિત્યની દીક્ષા તેમને મેઘાણી પાસેથી મળેલી. ઝવેરચંદ મેઘાણી વિશે આ ગ્રંથમાં લગભગ સો પાનાં જેટલું લખાણ છે. મેઘાણીને અંતરંગથી જોનારામાંથી બહુ ઓછાએ તેમના વિશે આટલા વિસ્તારથી લખ્યું છે. મેઘાણીભાઈના કેટલાક અગ્રંથસ્થ શૌર્ય-કટાક્ષ-ગીતો જયમલ્લભાઈ અહીં પહેલી વખત રજૂ કરે છે. મેઘાણીભાઈની વિવિધ દ્દષ્ટિકોણથી લખાયેલી ઝલક આ પૃષ્ઠોમાં વાંચવા મળે છે. લેખકના બે નિકટના સ્વજનો સ્વ. નિરંજન વર્મા અને સ્વ. ઈશ્વરલાલ મો. દવે વિશેના બે લેખો આ પુસ્તકના ચાવીરૂપ લેખો છે. પોતાના સગા ભાઈથી પણ વિશેષ બે સ્વજનો વિશે જયમલ્લ પરમારે લખેલું લખાણ હૃદયના ઊંડાણને સ્પર્શી જાય છે.