પુસ્તક વિશે
જયમલ્લભાઇએ અલગ-અલગ ક્ષેત્રની ૪૧ વ્યક્તિઓ અંગે ‘ઊર્મિનવરચના’ સામયિકોમાં લખેલા લેખો ‘મનમંદિરની છબીઓ’ પુસ્તકમાં સંગ્રહિત થયા છે. લેખોનું સ્વરૂપ અમુક અંશે સંસ્મરણાત્મક હોવાની સાથે તેમાં જે તે કાળનું પ્રતિબિંબ પણ ઝીલાયું છે. એ રીતે આ લેખોને ઈતિહાસમૂલક સામગ્રી પણ કહી શકાય. સૌરાષ્ટ્ર-ગુજરાતના રાજકીય તેમજ સાંસ્કૃતિક ઈતિહાસની કેટલીક ઓછી જાણીતી વિગતો આ લખાણોમાં વાંચવા મળશે. જયમલ્લભાઇના સંબંઘો કેટલા વ્યાપક હતા તેના આ લેખો પરિચાયક છે. આંદામાનની જેલમાં સજા કાપનાર ક્રાંતિકારી ભાઇ પરમાણંદ, સંતોમાં તુકડોજી મહારાજ, મુખ્યમંત્રીઓમાં બળવંતરાય મહેતા અને ઢેબરભાઇ, રાજપરિવારમાં જામસાહેબ, દિગ્વિજયસિંહજી, કૃષ્ણકુમારસિંહજી (ભાવનગર), ઉદયભાણસિંહજી (પોરબંદર) ઉપરાંત સંગીતશાસ્ત્રીઓમાં પંડિત આદિત્યરામજી, પંડિત નારાયણ મોરેશ્વર ખરે, ગોસ્વામી દ્વારકેશલાલજી,યહૂદી મેનુહિનનો પરિચય આ પુસ્તકમાં વાંચવા મળે છે.
પુસ્તકની સરળતા અને રસિકતા માટે તેને સોળ વિભાગોમાં વહેંચ્યું છે. પ્રત્યેક લેખમાં જયમલ્લભાઇનો જે-તે વ્યક્તિ સાથેના પરિચયની આગવી છાંટ અને છટા વાંચવા મળે છે. પુસ્તકનો પહેલો લેખ ‘રંગો રહી ગયા, રંગનારા વહી ગયા’ કચ્છના સંત મેકણ દાદાની સાખીઓનો રસાસ્વાદ છે. છેલ્લો લેખ ‘જીવન અને મૃત્યુ’માં સર્જન-વિસર્જનનું તત્વજ્ઞાન જયમલ્લભાઇએ આલેખ્યું છે. તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર લોકસંસ્કૃતિ રહ્યું છે. અલબત્ત, સાહિત્યના પ્રત્યેક ક્ષેત્રે તેમની કલમ એકઘારી ચાલી છે. પ્રસ્તુત પુસ્તક તેનું ઉદાહરણ છે.