પુસ્તક વિશે
પ્રસ્તુત પુસ્તક જયમલ્લ પરમારના ગુજરાતની લોકકથાઓ પરના લોકતાત્વિક-લોકસાંસ્કૃતિક અભ્યાસ પરના કુલ 33 લેખોનો સંગ્રહ છે. જયમલ્લભાઈએ ઇ.સ. 1967થી 1991 સુધીના કુલ 24 વર્ષ ‘ઊર્મિનવરચના’નું સંપાદન કર્યું. આ સામયિકનો હેતુ એક તરફથી ગુજરાતી કંઠસ્થ પરંપરાના લોકસાહિત્યને લિખિત સંપાદિત રૂપમાં મૂકી આપવાનો હતો, તો બીજી તરફ, લોકવિદ્યાના એક મહત્વના અને વિશેષ વ્યાપક તથા લોકપ્રિય એવા લોકસાહિત્યના શાસ્ત્રીય અભ્યાસને લગતાં અનેક પાસાંઓની ચર્ચા-વિચારણા કરવાનો હતો. ગુજરાત તેની લોકકથાઓ અને લોકગીતો માટે મશહૂર છે. પરંતુ લોકવાર્તાઓની શાસ્ત્રીય ઢબે છણાવટ કરતા પુસ્તકો ગુજરાતીમાં જૂજ છે. લોકવાર્તાઓમાં પ્રચલિત ખોટાં મૂલ્યો, અંધશ્રધ્ધા, વહેમ, ભ્રમ વગેરે જન્માવે, દ્દઢ કરે એવાં તત્વો પર લેખકે આંગળી મૂકી સ્પષ્ટ કરી બતાવ્યાં છે અને તેની આકરી આલોચના પણ કરી છે.
જયમલ્લભાઈની લોકસાહિત્ય-વિષયક વિભાવનાનું બીજું ધ્યાનપાત્ર લક્ષણ છે, સ્વાનુભવ આધારિત વિવેચન. લોકો અને ગ્રામજીવનનો એમનો સીધો, નિકટનો, લાંબો અનુભવ જયમલ્લભાઈને લોકસાહિત્યને સમજવામાં અને સમજાવવામાં સહાયભૂત થાય છે. લેખકના તમામ પુસ્તકોમાં આ લક્ષણ સ્પષ્ટપણે ઉપસી આવેલું જોઈ શકાય છે.
લોકવાર્તાઓના વિભિન્ન પહેલુઓ અંગે તેમણે વિશદ્ છણાવટ કરતા લખેલા તમામ લખાણો અહીં એક સાથે સુલભ બન્યા છે. નમૂના માટે તેમણે સંપાદિત કરેલી બે લોકવાર્તાઓ પણ મુકી છે. અલગ અલગ પુસ્તકોની પ્રસ્તાવના અથવા આવકારરૂપે જયમલ્લભાઈએ લખેલા લખાણો પણ અહીં ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે. પુસ્તકના કેટલાક પ્રકરણોના શીર્ષક જોઈએ તો - ‘લોકકથા-વારતા’, ‘વાર્તાકથનની કલા’, ‘વાર્તાકથન અને શિક્ષણ’, ‘લોકકથાઓ અને પરચાઓ’, ‘લોકવાર્તા, સિનેમા ને સંસ્કૃતિ’ વગેરે. વાર્તાકથનની કલા બારામાં અભ્યાસલેખ સૌપ્રથમ જયમલ્લભાઈએ લખ્યો હતો. તે રીતે વાર્તા કહેનાર કલાકાર માટે ‘કથક’ શબ્દનો ઉપયોગ પણ તેમણે જ પ્રથમ વાર કર્યો હતો. ગુજરાતી લોકકથા સાહિત્યમાં નદીઓ, સિંહ, ભૂત-પ્રેતની કથાઓ પ્રકાશમાં આણવાનું શ્રેય જયમલ્લભાઈને જાય છે.