જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

જયમલ્લ પરમારના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

બધાં પુસ્તકો પર પાછા જાઓ
લોકસંસ્કૃતિનાં કલાધરો
લોકવાર્તા સંગ્રહો

લોકસંસ્કૃતિનાં કલાધરો

ગુજરાતની લોકસંસ્કૃતિના ઉપવનને પોતાના કર્તવ્ય અને રચનાઓ થકી મહેકતું બનાવનાર કેટલાક વ્યક્તિ-વિશેષો અંગે જયમલ્લભાઈએ લખેલા લખાણો ‘લોકસંસ્કૃતિનાં કલાધરો’ પુસ્તકમાં સંગ્રહિત થયા છે. સાહિત્ય-સ્વરૂપની દ્દષ્ટિએ તે સંસ્મરણાત્મક અને પરિચયાત્મક છે. પરંતુ સાથે સાથે લોકસંસ્કૃતિના ઇ...

સાહિત્યપ્રકારલોકવાર્તા સંગ્રહો
પૃષ્ઠપૃષ્ઠ – 176

પુસ્તક વિશે

ગુજરાતની લોકસંસ્કૃતિના ઉપવનને પોતાના કર્તવ્ય અને રચનાઓ થકી મહેકતું બનાવનાર કેટલાક વ્યક્તિ-વિશેષો અંગે જયમલ્લભાઈએ લખેલા લખાણો ‘લોકસંસ્કૃતિનાં કલાધરો’ પુસ્તકમાં સંગ્રહિત થયા છે. સાહિત્ય-સ્વરૂપની દ્દષ્ટિએ તે સંસ્મરણાત્મક અને પરિચયાત્મક છે. પરંતુ સાથે સાથે લોકસંસ્કૃતિના ઇતિહાસની ઝલક તેમાંથી પામી શકાય છે. લખાણ માત્ર પરિચયરૂપ ન બની રહેતાં જે તે સમયની ઘટનાઓને પણ તેમાં વણી લેવાઈ છે. સૌરાષ્ટ્રના સાહિત્ય ક્ષેત્રે, ખાસ કરીને લોકસાહિત્યના ક્ષેત્રે છેલ્લી અર્ધી સદીમાં સર્જાયેલી ઘણી ઘટનાઓનો સંકલનાબધ્ધ આલેખ આ લખાણો થકી પ્રકાશમાં આવે છે. પુસ્તકનો ઉદ્દેશ આપણાં ભૂતકાલીન વારસાને માત્ર વાગોળવાનો કે કોઈ ચોક્કસ કોમ અથવા જ્ઞાતિની ગૌરવગાથા કથવાનો નથી. પરંતુ લોકસંસ્કૃતિની અલગ અલગ શાખાઓને સમૃધ્ધ બનાવવામાં જેમનો મહત્વનો ફાળો છે, તેવા 17 વ્યક્તિઓના જીવનપરિચય દ્વારા લોકસાહિત્યની કામગીરીને ઉજાગર કરવાનું ધ્યેય છે.

મેઘાણીભાઈ પછી ગુજરાતમાં લોકસાહિત્યના ક્ષેત્રે કામ થયું નથી તેવો પ્રચાર કેટલાક ઉપલકિયા વિવેચકો જાણ્યે-અજાણ્યે કરે છે. તળધરતીના અનુભવવિહીન અને ફક્ત અંગ્રેજી કે હિંદી પુસ્તકોના વાચન ઉપર જ ચાલતા ચોક્કસ લોકોના આવા વિધાનો પરપ્રાંતમાં ગુજરાતના લોકસાહિત્યને હીણું ચિતરે છે. ‘લોકસંસ્કૃતિનાં કલાધરો’ પુસ્તકનો પ્રથમ લેખ ‘લોકસાહિત્યનો અખંડ સ્રોત’માં જયમલ્લભાઈએ આ વિષયમાં 1937 થી 1987 સુધીના પાંચ દાયકામાં થયેલા ખેડાણની ભૂમિકા સ્પષ્ટ કરી છે. બીજો લેખ ‘મોતી રોળાણાં જાય’માં નમૂનેદાર 35 દુહાઓનો બળકટ શૈલીમાં રસાસ્વાદ કરાવવામાં આવ્યો છે. પુસ્તક મંડાણ, પૂર્વસૂરીઓ, લોકસંસ્કૃતિના રંગરેજો, વાદકો, કથકો અને ભજનિકો-એમ 6 વિભાગમાં વહેંચાયું છે. આ પુસ્તકમાં મેઘાણીભાઈએ જેમની પાસેથી પારાવાર સામગ્રી મેળવી હતી તેવા પિંગળશીભાઈ નરેલા, દુલાભાઈ કાગ, ગગુભાઈ લીલા, દરબાર વાજસુરવાળા, શંકરદાનજી દેથા વગેરે ઉપરાંત આઈ સોનલઆઈ, દુલેરાય કારાણી, મેરૂભા ગઢવી, કાનજીભાઈ બારોટ, સુલેમાન જુમા, માવદાનજી રતનુ, કનુભાઈ બારોટ, યશવંત ભટ્ટ વગેરેનો સંસ્મરણાત્મક પરિચય રસાળ શૈલીમાં રજૂ કરવામાં આવ્યો છે.

પુસ્તકના આરંભે 15 પૃષ્ઠોનું ફોટો આલ્બમ ‘લોકસંસ્કૃતિનાં કલાધરો’ની ગુણવત્તામાં મૂલ્યવાન ઉમેરણ છે.

 

જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech