પુસ્તક વિશે
સિંહ ઉપરના લેખો કે પુસ્તકો લખવાનું નવી વાત નથી. ગુજરાતની જ વાત કરીએ તો છેલ્લા સાત-આઠ દાયકાથી સિંહ વિષે લખાય છે. છેલ્લા અઢી દાયકામાં સિંહના વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવતા અભ્યાસમાં પણ ઘણી પ્રગતિ સધાઈ છે. ગિરના સિંહ અંગે અંગ્રેજી અને ગુજરાતીમાં કેટલાક સચિત્ર લેખો તથા પુસ્તકો આ સમયગાળામાં પ્રસિધ્ધ થયા છે. ‘વાઈલ્ડ લાઈફ’નું ક્ષેત્ર અભ્યાસ માટે ખૂલ્યું છે. પણ ગુજરાતના સિંહો, તેની સાથે સંકળાયેલી લોકવાર્તાઓ, સિંહ સામે ઝૂઝનાર પરાક્રમી વીરો, મરદ પશુઓ, લોકભાષામાં જ લખાયેલા સિંહ વિષયક અભ્યાસલેખો વગેરે દ્દષ્ટિએ જોઈએ તો આ પ્રકારના પુસ્તકો ગુજરાતી ભાષામાં અલ્પ છે. ‘લોકસાહિત્યની સિંહકથાઓ’ તેમાં મૂલ્યવાન ઉમેરણ છે.
પુસ્તકને ત્રણ વિભાગમાં વહેંચ્યું છે. પહેલો વિભાગ સિંહની લોકવાર્તાઓનો છે. નજરે જોયેલા અથવા નજીકના ભૂતકાળમાં સાંભળેલા પ્રસંગોને અહીં જે તે લેખકોએ વાર્તાદેહ આપ્યો છે. સૌરાષ્ટ્રના લોકજીવન અને સિંહને અલગ તારવી ન શકાય એની ગવાહી આ લોકવાર્તાઓ આપે છે. સિંહની અને તેના જેવા જ મરદ આદમીઓની આટલી સંખ્યામાં વાતો ગુજરાતીમાં આ કદાચ સૌપ્રથમ વાચકોને વાંચવા મળશે. સિંહ વિકરાળ છે, તો ઝિંદાદિલ પણ છે. તેની સાથે રહેતા માનવીઓની દિલ થંભાવતી સત્યઘટનાત્મક કથાઓથી ‘લોકસાહિત્યની સિંહકથાઓ’ પુસ્તક સભર છે. હજી 50 થી 85 વર્ષ પહેલાં સુધીની આ સત્ય ઘટનાઓ બહુ દૂરના ભૂતકાળની વાત નથી અને તેને નજરે જોયેલા લેખકોએ જ શબ્દસ્થ કરી હોય એ પુસ્તકનું બહુ મહત્વનું પાસું છે.
બીજો વિભાગ સિંહના ગીતો, દુહાઓ અને ગીતકથાઓનો છે. ત્રીજા વિભાગમાં સિંહ વિષયક છ અભ્યાસલેખો સમાવાયા છે. સિંહ અને માનવીની વીરતા, ધીરતા, ઊર્મિલતા અને સૂઝબૂઝ આ પુસ્તકમાં વાંચવા મળે છે. આ પુસ્તક સાથે ‘ઊર્મિનવરચના’ના કુલ 11 વિશેષાંકો પુસ્તકોરૂપે સુલભ બન્યા છે. સિંહ, અશ્વ અને નદી ગુજરાતનું ભૂષણ છે. અશ્વને રાખનારો વર્ગ જેમ વધ્યો છે, તેમ સિંહને તેના અસલી પર્યાવરણમાં જોવા દર વર્ષે સેંકડોની સંખ્યામાં પ્રવાસીઓ ગિરનાં જંગલમાં આવે છે. સિંહ જેવા સક્ષમ પ્રાણીનું અને જવાંમર્દ માનવીઓનું લોકોમાંથી મેળવેલું સાહિત્ય ગ્રંથાકારે અહીં સુલભ બન્યું છે.