પુસ્તક વિશે
આકાશવિજ્ઞાન વિષયક પુસ્તકો ગુજરાતીમાં અલ્પ સંખ્યામાં છે. તેમાં ‘આકાશપોથી’ અને ‘ગગનને ગોખે’ મહત્વના છે. જયમલ્લ પરમારે ‘ગગનને ગોખે’ સચિત્ર પુસ્તકમાં તારક-દર્શનની વાતો ઘણી વિગતથી કરી છે. એના વિશે વૈજ્ઞાનિક માહિતી આપવા સાથે આપણી અને પશ્ચિમની પુરાણકથાઓ તથા લોકકથાઓ, ઇતિહાસ, પ્રાચીન સંસ્કૃતિ અને સાહિત્યની રસભરી વાતો એમણે અહીં આવરી લીધી છે. ખગોળ વિજ્ઞાન જેવા ભારેખમ વિષયને આડંબર વિહીન, લોકભોગ્ય ભાષામાં રજૂ કરવાનો આ પુસ્તકનો ઉપક્રમ છે. સાથે સાથે તેમાં જરા પણ અવૈજ્ઞાનિકતા કે કાલ્પનિકતા ન આવી જાય તેનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. પુસ્તક કુલ 17 પ્રકરણો અને 6 પરિશિષ્ટોમાં વહેંચાયેલું છે. પ્રકરણોના નામ જોઈએ તે ‘પુનિત હરણાં’, ‘ચલાયમાન ધ્રુવ’, ‘આકાશી તોરણિયાં’, ‘મહાકાય વીંછીડો’, ‘ત્રિભંગી નૃત્ય’, ‘આકાશી અશ્વ’ વગેરે છે. પુસ્તકમાં મૂકાયેલા છ નકશા અને સંખ્યાબંધ ચિત્રો તેની ઉપયોગિતામાં વધારો કરે છે.