પુસ્તક વિશે
લોકજીવન જેમ જેમ ઘડાતું ગયું તેમ તેમ એની બોલી-ભાષા દુહાનો ઘાટ પકડતી ગઈ છે. દુહો લોકજીવનના ભાષા-વ્યવહારનું માધ્યમ હતો અને હજી છે. નહીં નહીં તોય 1200 વર્ષથી દુહો લોકજીવન સાથે સંકળાયેલો છે. કાવ્યના અનેક પ્રકારોને બુઢાપો આવી ગયો, પણ દુહો હજી બદલાતા સ્વરૂપો સાથે યુવાન છે. દુહો લોકસાહિત્યનું પ્રમુખ અંગ છે. દુહા જેટલો વ્યાપ લોકસાહિત્યના એક પણ અંગનો નથી થયો. દુહો લોકસમાજના સમગ્ર જીવનવ્યવહારને વ્યક્ત કરી શકવાની ક્ષમતા ધરાવે છે. ગુજરાતી ભાષામાં દુહા સાહિત્યની વિપુલતા અંદાજ ન આવી શકે તેટલી છે. પરંપરાગત વારસામાં મળેલા હજારો દુહાઓ આજે સૌરાષ્ટ્રની પ્રજાને કંઠસ્થ છે. આપણો ડિગ્રીધારી શિક્ષિત્ વર્ગ જેનાથી અજ્ઞાત છે, તે દુહો સમગ્ર પશ્ચિમ ભારતની આમજનતાનો પ્રાણ ધબકાર છે. સાહિત્યના ક્ષેત્રમાં દુહો એક સ્વતંત્ર કાવ્યપ્રકાર છે.
ઉક્ત પુસ્તકમાં વિષય પ્રમાણે 4100 દુહાઓ અને 75 છકડિયા ગ્રંથસ્થ થયા છે. તે ઉપરાંત 40 જેટલા અભ્યાસલેખો પણ સમાવિષ્ટ છે. ગુજરાતી સાહિત્ય અને લોકસાહિત્યમાં દુહાઓનો આવડો મોટો સંચય પહેલીવાર પ્રકાશિત થયો છે.
દુહો સેંકડો વર્ષોથી તેના બદલાતા સ્વરૂપો સાથે ટકી રહ્યો છે. આપણા સંતો-ભક્તોએ આ જ કારણોસર સાખીઓ દુહામાં કહી. કહેવતોની જેમ દુહાનો ઉપયોગ લોકવ્યવહારમાં થતો આવ્યો છે.