પુસ્તક વિશે
વિવિધ માહિતીદાતાઓ પાસેથી મેળવીને જેને જયમલ્લ પરમારે પોતાનો આગવો કલાદેહ આપ્યો તેવી બોતેર લોકવાર્તાઓ આ પુસ્તકમાં ગ્રંથસ્થ થઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશની આ લોકવાર્તાઓમાં ભાષા સાંકેતિક, સંવાદો ટૂંકા પણ વ્યંજનાત્મક, પાત્રો મિતભાષી પણ મર્મીલા, વાક્યપ્રયોગો લાક્ષણિક વાંચવા મળે છે. અલગ અલગ જ્ઞાતિઓ, વિભિન્ન રિવાજો, અલગ અલગ પ્રદેશો, વિભિન્ન કથાવસ્તુઓએ અહીં શબ્દદેહ ધારણ કર્યો છે. અભણ, પણ આંતરસૂઝથી ઓપતાં, આફતો અને મુશ્કેલીઓનો તોડ આતમબળે ઊકેલતાં માનવીઓની આ કથાઓ છે. સૌરાષ્ટ્ર અને ભાવનગર યુનિવર્સિટીમાં એમ. એ. માં ‘ધરતીની અમીરાત’ પુસ્તક 3 ટર્મ સુધી પાઠ્યપુસ્તક રહ્યું છે. સૌરાષ્ટ્રની તળપદી ભાષામાં માવજત કરીને લેખકે પ્રસંગોને અક્ષરદેહ આપ્યો છે. આ લોકવાર્તાઓ સૌરાષ્ટ્ર-કચ્છના, ખમીર, ખુમારી અને ખાનદાનીના તાદ્દશ પ્રતીક જેવી બની રહી છે. આપણી અઢળક લોકવાર્તાઓમાંથી આચમનરૂપે આ લોકકથાઓ ગ્રંથસ્થ થઈ છે.