જયમલ્લ પરમાર
  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

પુસ્તકની વિગતો

જયમલ્લ પરમારના પસંદ કરેલા પુસ્તકનો પરિચય, વિષય અને સંપૂર્ણ વિગતો સરળતાથી વાંચો.

બધાં પુસ્તકો પર પાછા જાઓ
ભાગું તો ભોમકા લાજે
સંપાદનો

ભાગું તો ભોમકા લાજે

વિદેહ સ્વજનો કે આદરણીય જનોનાં સ્મારકો એ પ્રજાના સાંસ્કૃતિક જીવનનું અધ્યયન કરવાનું એક મહત્વનું સાધન છે. આવાં સ્મારક ગુજરાતમાં ઈસ્વીસનની બીજી સદીથી સ્થપાતાં હોવાનું જાણવામાં આવ્યું છે. આ સ્મારકોના ઘણાં પ્રકારો છે અને એ દરેક પ્રકારનું વિશિષ્ટ તાત્પર્ય છે. એ વિવિધ સ્મારકોમાં ખાંભી-પા...

સાહિત્યપ્રકારસંપાદનો
પૃષ્ઠપૃષ્ઠ – 502

પુસ્તક વિશે

વિદેહ સ્વજનો કે આદરણીય જનોનાં સ્મારકો એ પ્રજાના સાંસ્કૃતિક જીવનનું અધ્યયન કરવાનું એક મહત્વનું સાધન છે. આવાં સ્મારક ગુજરાતમાં ઈસ્વીસનની બીજી સદીથી સ્થપાતાં હોવાનું જાણવામાં આવ્યું છે. આ સ્મારકોના ઘણાં પ્રકારો છે અને એ દરેક પ્રકારનું વિશિષ્ટ તાત્પર્ય છે. એ વિવિધ સ્મારકોમાં ખાંભી-પાળિયા વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ગુજરાતની ધરતી પર પરમાર્થે યુધ્ધ ખેલતાં વીરગતિ પામી મૃત્યુને ભેટનાર અનેક નર-નારીરત્નો પાક્યાં છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તેમનાં સ્મારક ગામેગામ જોવા મળે છે. ‘ભાગું તો ભોમકા લાજે’ ગ્રંથમાં આપણા સાંસ્કૃતિક વિરાસતની અમૂલ્ય ધરોહર સમા ખાંભી-પાળિયાનું સાહિત્ય ગ્રંથસ્થ કરવામાં આવ્યું છે. ‘ખાંભી-પાળિયાનો પરિચય આપતું આ સચિત્ર પુસ્તક ગુજરાતીમાં એકમાત્ર છે. 210 ફોટોગ્રાફ અને સ્ક્રેચ પુસ્તકની આગવી વિશેષતા છે.

પુસ્તક લોકકથાઓ, કાવ્યો અને અભ્યાસલેખો, એમ ત્રણ વિભાગમાં વહેંચાયું છે. ઇતિહાસનાં આ બધા જીવતાં સ્મારકોના આલેખનમાં લેખકોએ આબેહૂબ શબ્દચિત્રો આલેખ્યા છે. પુસ્તકના પહેલા 276 પૃષ્ઠોમાં પાળિયા વિષયક 39 લોકકથાઓ મુકાઈ છે. આ કથાઓમાં મૂળુ માણેક, લાખો ફૂલાણી, હમીરજી ગોહિલ, જામ કુંવર અજાજી, રાણકદેવી, ચાંપરાજવાળા, જોમબાઈ પરમાર જેવા અનેક જાણીતા અને અજાણ્યા નરવીરો-નારીઓની લોકકથાઓનો સમાવેશ થયો છે. માનવીની જેમ અશ્વ અને કુતરા જેવા વફાદાર પશુઓની પણ ખાંભીઓ હોય તેની લોકકથાઓ અહીં વાંચવા મળે છે.

પુસ્તકના બીજા વિભાગ અભ્યાસ લેખોમાં કુલ 25 લેખો સંગ્રહિત છે. ‘ખાંભી અને પાળિયાના અભ્યાસક્ષેત્રમાં’ તથા ‘પાળિયા-ખાંભી અને તેનાં શિલ્પ-પ્રતીકો’માં લેખકોએ મૃત્યુ-સ્મારકોના વિવિધ પ્રકારોની સુપેરે છણાવટ કરી છે. ખાંભી અને પાળિયા વચ્ચેનો તાત્વિક તફાવત અહીં જયમલ્લ પરમારે સ્પષ્ટ કરી આપ્યો છે. વેદકાળનો ટીંબો, બૌધ્ધકાલીન સ્તૂપ અને ખાંભી-પાળિયા સુધીનો ક્રમિક ઇતિહાસ અભ્યાસલેખોમાં વાંચવા મળે છે. લેખકોએ મૃત્યુ-સ્મારકોના વિવિધ પ્રકારો અને એનાં વિશિષ્ટ નામ, પાળિયાની કોતરણી, એમાં વ્યક્ત થતો પહેરવેશ, આયુધો, વાહનો, પ્રતીકો, ભાષા, લિપિ ઇત્યાદિ અનેક બાબતોની અહીં વિશદ્ છણાવટ કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છના પાળિયા, આદિવાસીઓના પાળિયા, ચરોતરના પાળિયા, દક્ષિણ ગુજરાતના પાળિયા, ઉત્તર ગુજરાતના પાળિયા વગેરેનો પરિચય તથા અભ્યાસ અહીં એકસાથે સુલભ બન્યો છે. ખાંભી-પાળિયા ઇતિહાસની ખૂટતી કડીઓ મેળવવાના માધ્યમ છે. લોકવાર્તાઓ અને ઇતિહાસમાં રસ ધરાવતા વાચકો-વિદ્વાનો માટે આ પુસ્તક ઉપયોગી છે. ગુજરાતી કવિતામાં પાળિયાનું નિરૂપણ લેખ અને આધુનિક સમયના કવિઓએ પાળિયા વિશે લોકભાષામાં કરેલી રચનાઓ ‘ભાગું તો ભોમકા લાજે’ ગ્રંથની મહત્વની સામગ્રી છે.

 

જયમલ્લ પરમાર

લોકસાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને લોકસંસ્કૃતિને સમર્પિત જયમલ્લ પરમારના જીવન, સર્જન અને અક્ષરવારસાનો પ્રામાણિક ડિજિટલ પરિચય.

મુખ્ય વિભાગો

  • મુખ્ય પૃષ્ઠ
  • પુસ્તકો
  • ફોટો ગેલેરી
  • રાજુલ દવે

© 2026 જયમલ્લ પરમાર. સર્વ અધિકારો સુરક્ષિત.

Designed & Developed by Gtech