પુસ્તક વિશે
21 લેખોના આ સંગ્રહમાં ઇતિહાસ અને ઇતિહાસ આલેખનવિદ્યા અંગેના દસ, સામાજિક ઇતિહાસઅં અંગેના ત્રણ, સાંસ્કૃતિક અને ધાર્મિક ઇતિહાસ ગેના ચાર, શહેર કે રાજ્ય અંગેના બે અને વ્યક્તિવિશેષ અંગેના બે લેખો સમાવિષ્ટ છે. આમ, ઇતિહાસના આધુનિક લેખનની દ્દષ્ટિએ ‘અતીતના આયનામાં સૌરાષ્ટ્ર’ પુસ્તકમાં રાજકીય, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ઇતિહાસ વિષયક સામગ્રી ગ્રંથસ્થ થઈ છે.
સોમનાથ મંદિરની રક્ષા માટે શહીદી વહોરનાર હમીરજી ગોહિલ અંગેના લેખમાં લેખકે ઇતિહાસમાં થતા ‘કાલ વ્યતિક્રમ’ના દોષ પ્રત્યે અંગુલિનિર્દેશ કર્યો છે. ‘ભારતના ઇતિહાસનું રત્ન-કચ્છ’ નામના લેખમાં જયમલ્લ પરમારે કચ્છના અનેક પ્રતાપી રાજવીઓ, ખાસ કરીને લાખા ફૂલાણી અંગે, સિંધુ નદીના વહેણમાં આવેલા પરિવર્તનને કારણે થયેલ કચ્છના રણની રચના અંગે તથા ‘બારભાયા શાસન’ જેવા વહીવટની એક નવા પ્રકારની પધ્ધતિની વિગતો આલેખી છે. સમાજમાં નિમ્ન સ્થાન ધરાવતી ‘સરાણિયા કોમ’ની વિશેષતા, ‘ઘેડ વિસ્તારની સામાજિક્તા’ અને ‘સૌરાષ્ટ્રમાં પ્રાચીન-અર્વાચીન દુકાળો’ લેખમાં લેખકે સૌરાષ્ટ્રના સામાજિક તથા આર્થિક ઇતિહાસને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. સૌરાષ્ટ્રમાં વિવિધ કલાઓને મળેલા રાજ્યાશ્રયની વિગતો દર્શાવી લેખકે સૌરાષ્ટ્રમાં કલાના ઇતિહાસની અલભ્ય માહિતી પૂરી પાડી છે. વિશિષ્ટ શહેર તથા રાજ્યની શ્રેણીમાં પોરબંદર અને કચ્છ અંગેની વૈવિધ્યસભર માહિતી આપવામાં આવી છે. રાજકોટના મુત્સદ્દી દીવાન વીરાવાળાની ગાંધીજી પ્રત્યેની ભક્તિના લેખમાં વીરાવાળાની ‘દાની દુશ્મની’ના, ઇતિહાસમાં એક વિસ્મૃત પૃષ્ઠને રજૂ કરવામાં આવ્યું છે.
ઇતિહાસ આલેખનમાં થતી ભૂલો તથા તેમાં રહેલી ક્ષતિઓ અંગે લેખકે ખૂબ જ સ્પષ્ટ અને સચોટ રીતે, છતાં સરળ ભાષામાં અંગુલિનિર્દેશ કરી ઇતિહાસ આલેખન વિદ્યાના મૂળભૂત સિધ્ધાંતો 4 લેખોમાં દર્શાવ્યા છે. બીજા ભયસ્થાન પ્રત્યે નિર્દેશ કરતાં લેખક જણાવે છે કે લેખક-સંશોધક કેટલીક વાર પોતાના દેશ-પ્રદેશના ભૂતકાળનું ગૌરવ ઊભું કરવા જતા, ભૂતકાળની ભલી-બુરી બાબતો પ્રત્યે ઇતિહાસના સત્યથી વિરુધ્ધ જઈને, અહોભાવ પેદા કરે છે.
રાજવીઓનાં પ્રશસ્તિ ગ્રંથોની પ્રમાણભૂતતા અંગે પણ લેખકે પ્રશ્ન ઊઠાવ્યો છે. ગુજરાતના ઇતિહાસના એક જાણીતા પ્રકરણ ‘રા’ માંડળિક અને આઈ નાગબાઈ’ વિશે 30 પાનાંના લેખમાં જયમલ્લ પરમારે સમગ્ર વિગતોને ઐતિહાસિક દૃષ્ટિએ ચકાસીને નીર-ક્ષીર તારવી આપ્યું છે. સૌરાષ્ટ્રનો ઇતિહાસ લેખક બે મોહન (ભગવાન કૃષ્ણ અને ગાંધીજી) વચ્ચે પાંગરેલો હોવાનું જણાવી ઉપયોગી માહિતી પૂરી પાડે છે.