પુસ્તક વિશે
લોકભરત – પછી તે ગૃહ અને પશુ-શણગાર હોય કે માનવ-પહેરવેશ હોય – જયમલ્લભાઈએ તદવિષયક લખેલા લખાણો આ સચિત્ર પુસ્તકમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રનું લોકભરત, તેના વિવિધ ઘરાનાઓ, લોકોત્સવ, ઘરખોરડાંના રૂપ, ઓરડાનાં શણગાર, એમ વિભિન્ન દ્દષ્ટિકોણથી જયમલ્લભાઈએ લોકકલાની મૂલવણી કરી સાર તારવી આપ્યો છે કે ‘આ બધી કલાઓ લોકજીવનમાં વ્યાપ્ત થયેલી છે. જેમની આ કલા છે, તેમને આની કોઈ નવાઈ નથી.’
સૌરાષ્ટ્ર અને કચ્છ જેને માટે સુખ્યાત છે તે હીર અને મોતીભરતની કલાનો ઇતિહાસ જયમલ્લભાઈ આપે છે. દરેક જાતિના ભરતમાં રહેલી વિશેષતાઓ તેમણે ઉદાહરણો સહિત રજૂ કરી છે. લખાણોમાં નકરા વર્ણનને કારણે શુષ્ક્તા ન આવી જાય તે માટે જરૂર જણાય ત્યાં લોકગીતો અથવા તેની કડીઓ મુકી લખાણને તેમણે રસભર્યું બનાવ્યું છે. બાળકો, નારીઓ તેમજ પુરુષોના રંગીન તથા ભરત ભરેલા પહેરવેશના ઊંડાણ સુધી જયમલ્લભાઈ ગયા છે. પહેરવેશ, આભૂષણો ઇત્યાદિ સાથે લોકગીતોને જોડતા જઈને આપણી લોકસંસ્કૃતિ કેટલી વ્યાપક છે, તેનો તલસ્પર્શી પરિચય અહીં તેમણે કરાવ્યો છે. ગ્રામનારીની કલાસૂઝ, રંગની મિલાવટ, ભરતગૂંથણનો કસબ વાંચતા જઈએ તેમ તેમ એ નારીની મહત્તાનો અંદાજ મળે છે.
લોકજીવન સાથે સમાવિષ્ટ હોવાને કારણે આ પુસ્તકમાં ખાદ્યપદાર્થો, હોકો, લાકડી, ગીલોલના લેખો સમાવ્યા છે. કાશ્મીરની વિશ્વવિખ્યાત ‘પેપરમેશી’ કલા અંગે લખાયેલો દીર્ઘ લેખ અહીં તે કલાને સમજવા માટે મુક્યો છે. કાશ્મીરની આ કલા બારામાં ગુજરાતીમાં ભાગ્યે જ લખાયું છે. પુસ્તકના કેટલાક પ્રકરણોના શીર્ષક જોઈએ તો ‘હીરનો સંસ્કાર અને હીરભરત’, ‘જાતિગત ભરત અને તેની વિશેષતાઓ’, ‘નારીનાં આભૂષણો’, ‘કલામય મોતીગૂંથણ’, ‘મોતીના દુહા અને છકડિયા’ વગેરે.